આર્થિક, વ્યાપારી, સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રે ચીને હરણફાળ ભરીને દુનિયાના વિકસિત તેમજ વિકાસશીલ દેશોને ક્યાંય પાછળ રાખી દીધા છે એ જાણીતી વાત છે. સહેજ ઓછી (તેમજ ભારતે શીખ લેવા જેવી) વાત એ કે હરીફ દેશોને ઓવરટેક કરી ગયેલું ચીન હવે શિક્ષણની બાબતે પણ નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. એક તાજા સમાચાર મુજબ ચીનના શિક્ષણખાતાએ થોડા દિવસ પહેલાં દેશની પ્રાઇમરી એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા આણતો દસેક મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને દેશવ્યાપી ધોરણે રાતોરાત તેને અમલમાં પણ મૂકી દીધો. આ કાર્યક્રમ મુજબ ચીનની સરકારી કે ખાનગી સ્કૂલોએ હવેથી ૧ થી ૬ ધોરણના વિદ્યાર્થીઓને homework/ગૃહકાર્ય આપવાનું નથી. હોમવર્કની અવેજીમાં દરેક સ્કૂલે વાલીઓના સહયોગમાં વિદ્યાર્થીઓને વિવિધ મ્યૂઝિઅમ્સની, ફેક્ટરીની, એરપોર્ટની, રેલવે સ્ટેશનની તેમજ લાઇબ્રેરીની મુલાકાત કરાવવાની રહેશે. મુલાકાત દરમ્યાન જોયેલી-જાણેલી ચીજવસ્તુઓનું તેમજ જાતઅનુભવોનું વિવરણ વિદ્યાર્થીએ ત્યાર બાદ પોતાની ભાષામાં સ્કૂલશિક્ષક સમક્ષ લેખિત યા મૌખિક સ્વરૂપે રજૂ કરવું રહ્યું.
શૈક્ષણિક સુધારણા કાર્યક્રમના બીજા મુદ્દા મુજબ ચીનની સ્કૂલોએ પ્રાઇમરીના વિદ્યાર્થીઓની અઠવાડિક તેમજ માસિક પરીક્ષાની સંખ્યામાં ઘટાડો કરી દેવાનો છે, જ્યારે ત્રીજો મુદ્દો પરીક્ષાનું ૧૦૦ માર્ક્સવાળું પરંપરાગત માળખું બદલવાનો છે. હવે નવી પ્રણાલિ મુજબ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાને બદલે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન excellent, good, qualified, will-be qualified એ ચાર પૈકી એકાદ ગ્રેડ વડે કરવાનું છે. આમ કરવા પાછળનું કારણ ઓછા ગુણ પ્રાપ્ત કરી હતોત્સાહ થનાર તેમજ ભણતરથી વિમુખ થનાર વિદ્યાર્થીનો મોરાલ જાળવી રાખવાનો છે--અને જળવાય તે માત્ર જરૂરી નહિ, અનિવાર્ય છે. ચીનના શિક્ષણખાતાના ફરમાન અનુસાર સ્કૂલ ટાઇમ દરમ્યાન વિદ્યાર્થીઓ રમતગમતની તેમજ ‘જાતે બનાવો’ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મિનિમમ ૧ કલાક વ્યસ્ત રહે તેની કાળજી ચીનની દરેક સ્કૂલે હવેથી લેવાની રહેશે. વિદ્યાર્થીના શારીરિક તેમજ માનસિક વિકાસ અંગેનો રિપોર્ટ પણ સ્કૂલોએ તૈયાર કરવો પડશે, જેનું શિક્ષણ ખાતાના અધિકારીઓ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરશે. સ્કૂલટાઇમ પછી બાળકોને ટ્યૂશન ક્લાસમાં મૂકનાર વાલીઓ સામે તેમજ ટ્યૂશન ક્લાસ સામે ચીનના શિક્ષણખાતાએ કડક કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ચીનની સ્કૂલ, જ્યાં બાળકોને ટેબ્લેટ કમ્પ્યૂટર વડે ઇન્ટરએક્ટીવ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આજે ચીનમાં આવી શાળાઓનો તોટો નથી |
આ બધા તેમજ આના જેવા અનેક સુધારા ચીને તેના First Class Education કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ધોરણે સ્કૂલ-કોલેજમાં દર થોડા વખતે આણ્યા છે. આ ભગીરથ કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ કરાયો એ પહેલાં ચીનનું શિક્ષણતંત્ર ખાડે ગયેલું હતું. પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને લખવા-વાંચવાનાં તેમજ સાદા સરવાળા-બાદબાકી કરવાનાં ફાંફાં હતાં. ટૂંકમાં, નવી પેઢી દેશના વિકાસની ધરોહર બને તેવી સંભાવનાઓ પાંખી હતી. એકવીસમી સદીના સુપરપાવર બનવા માગતા ચીને છેવટે શિક્ષણવ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું અને First Class Education નામનો માસ્ટરપ્લાન ઘડી કાઢ્યો. વખત જતાં દેશનું ઘડતર કરનાર ખુદ નવી પેઢીના ઘડતરનો કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ થયો અને સરકારી કાગળિયાં પૂરતો સીમિત રહેવાને બદલે પ્રેક્ટિકલ અમલીકરણ પામ્યો. નવી પેઢીને સ્કૂલ-કોલેજમાં કેવળ પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે તેમને ઇતર વાંચન તેમજ ઇતર પ્રવૃત્તિઓ વડે કેળવવાની (ખાસ તો વિચારતી કરવાની) જવાબદારી સરકારે પોતાના શિરે લીધી ત્યાર પછી ચીની બાળકોમાં સમજશક્તિ તેમજ તર્કશક્તિ ખીલવા લાગી. થોટ પ્રોસેસ ટોપ ગિઅરમાં આવી અને વાંચન પ્રત્યેનો અભિગમ કેળવાયો. આનો પુરાવો એ વાતે મળે કે પંદર વર્ષની વયના વિદ્યાર્થીઓનું ગણિત, વિજ્ઞાન તેમજ વાંચનકૌશલ ચકાસતી PISA/Programme for International Student Assessment નામની આંતરરાષ્ટ્રીય કસોટીમાં ચીની વિદ્યાર્થીઓએ ૨૦૦૯ની સાલમાં મેદાન મારી બતાવ્યું. PISA ની ટેસ્ટમાં કુલ ૭૪ દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચીનનો ક્રમ સૌથી મોખરે રહ્યો. ભારતનો નંબર ૭૩મો હતો.
સુપરપાવર બનવાની રેસમાં ચીન આપણા કરતાં કેમ આગળ નીકળી ગયું તે સમજાવવું પડે ખરું ? દેશનું ભવિષ્ય નવી પેઢી છે અને તે બૌધિક રીતે ખીલે એ માટે શિક્ષણરૂપી ‘બોધીવૃક્ષ’નાં મૂળિયાં મજબૂત બનાવવાં જોઇએ. ચીન તે કામFirst Class Education કાર્યક્રમ વડે કરી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થાનાં મૂળિયાં જ ચાવી ગયેલા (છતાં મહાસત્તાના મનોરથો સેવતા) આપણા રાજકારણીઓ ચીનના એ પગલાનું અનુકરણ કરે તોય ભયોભયો !