Friday, September 30, 2011

દમ


જેને દમ થયો હોય તે જાણે'' આ ઉક્તિ પ્રમાણે દમના દરેક દર્દીને જે પરેશાની છે તે પોતે જ જાણે છે. છાતી ભિંસાતી હોય તેમ લાગે, સતત ઉધરસ આવે, સતત સસણી બોલે, ઉધરસ ખાઈ ખાઈને પેટના અને છાતીના સ્નાયુ અને છાતીની પાંસળીઓ દુખી ગઈ હોય. કોઈ ખબર પૂછવા આવે તો વાત પણ ના કરી શકે અને કદાચ બોલવા જાય તો ઉધરસ ચડે. ચીતરી ચડે તેવા ગળફા નીકળે ત્યારે ઘડીભર સારું લાગે. પાછી ઉધરસ ક્યારે ચડે તેનો ભરોસો નહીં.
ઘરના અને બહારના - બધાંને દર્દીની દયા આવે, જાતજાતના નુસખા બતાવે પણ ૧૦૦ ટકા ઉપાય દુનિયાભરની ઓલ્ટરનેટીવ થેરેપીમાં નથી તે નથી જ. થોડીક રાહત થાય પણ કાયમનો ઉપાય ક્યાંય નથી. એલોપથીમાં સ્ટરોઈડઝ અને બ્રોન્કો ડાયલેટર્સ, જે ગોળી સ્વરૃપે અને 'ઈનહેલર્સ' તરીકે મળે, પણ તેનાથી જ્યાં સુધી લો ત્યાં સુધી ફાયદો થાય અને એ દવાની આડઅસરનું જોખમ તો ખરું.

દમ શા માટે થાય છે તે દરેકે જાણવું જોઈએ. તમને ફક્ત એટલી ખબર છે કે દમનો દર્દી કુદરતી રીતે શ્વાસ લઈ શકતો નથી. તો જોઈએ, દમ શા માટે થાય છે ? અસ્થમા (દમ) એટલે શું? કોને થાય? ઉપાય શું?

શરીરને શ્વાસોશ્વાસ દ્વારા હવામાંનો ઓક્સિજન પહોંચાડવાનું અને દૂષિત વાયુ કાર્બન ડાયોકસાઈડ શરીર બહાર કાઢી નાખવાનું ખૂબ અગત્યનું કામ માનવીના શરીરમાં છાતીની બખોલમાં ડાબી અને જમણી બાજુ રહેલાં બે ફેફસાં કરે છે. તમે ઝાડને ઉંધું લટકાવો ત્યારે જેવો આકાર દેખાય તેવો શ્વસનતંત્રનો આકાર છે. માનવી મુખ્યત્વે નાકથી અને થોડેક અંશે મોંથી શ્વાસ લે છે. અન્નનળીની સાથે ગળાથી નીચે ઉતરનારી શ્વાસનળી (ટ્રેકીઆ)નું છાતીની બખોલમાં ડાબી અને જમણી બાજુ 'બ્રોન્કાઈ' તરીકે વિભાજન થાય છે. આ બ્રોન્કાઈની મોટી-નાની શાખાઓને 'બ્રોન્કોઈલ્સ' કહે છે. ઝીણામાં ઝીણી બ્રોન્કીઓલના છેડે રબરના ફુગાના આકારનો હવાનો ફુગ્ગો ('એલવેલોઈ') હોય છે. બન્ને ફેફસાંમાં થઈને અંદાજે ૮ થી ૧૦ હજાર 'એલવેલોઈસ' હોય છે. એલવેલોઈની આજુબાજુ ઝીણીઝીણી ખરાબ લોહી લાવનારી નળીઓ છે.

 ફેફસાનું કાર્ય ઃ જ્યારે તમે શ્વાસ અંદર લો છો ત્યારે મોટી (ટ્રેકીઆ), નાની (બ્રોન્કાઈ) અને તેનાથી પણ નાની (બ્રોન્કોઈલ્સ) શ્વાસનળીઓ મારફતે હવા એલવેલોઈમાં જાય છે અને હવાના ફુગ્ગા માફક આ એલવેલોઈ ફૂલે છે. આ હવા એકાદ બે સેકન્ડ એલવોલોઈમાં રહે તેટલા જ વખતમાં એલવેલોઈની આજુબાજુ રહેલી લોહીની નળીઓમાં શ્વાસની નળીઓ મારફતે આવેલી હવાના ઓક્સિજન અને નળીઓમાં રહેલા કાર્બનડાયોકસાઈડની ફેરબદલી (એક્ષચેન્જ) થઈ જાય.

પરિણામે ઓક્સિજનવાળું લોહી પાછું પરિભ્રમણ માટે હૃદયને પહોંચી જાય અને ખરાબ વાયુ કાર્બનડાયોકસાઈડ એલવેલોઈમાંથી બ્રોન્કીઓલ, બ્રોન્કોઈલમાંથી બ્રોન્કાઈ અને છેલ્લે ટ્રેકીઆ અને મોં કે નાક મારફતે શરીરની બહાર નીકળી જાય. આ શ્વાસોશ્વાસ (શ્વાસવાટે ઓક્સિજન લેવાનો અને ઉશ્વાસ વાટે કાર્બનડાયોકસાઈડ બહાર કાઢવા)ની ક્રિયા બાળકના જન્મ વખતે માના પેટમાંથી બહાર નીકળે ત્યારથી શરૃ થાય ત્યાંથી તેના મૃત્યુ સુધી અવિરત ચાલુ રહે. જે હવા વગર (ઓક્સિજન વગર) માનવી પાંચ મિનીટ સુધી પણ જીવી ના શકે તે હવાના ઓક્સિજનને શરીરમાં લઈ જવાનું અને કચરારૃપ કાર્બનડાયોકસાઈડ શરીરમાંથી બહાર કાઢી નાખવાનું અવર્ણનીય કામ તમારા ફેફસા અદ્ભુત રીતે કરે છે. જો આટલું તમે સમજ્યા હો તો તમારે કોઈપણ ભોગે ફેફસાંના બગડે અથવા ફેફસાની કાર્યશક્તિ ઓછી ના થાય અને દમ ના થાય તે માટે સતત સજાગર રહેવું પડે.

ફેફસાં શું કરવાથી બગડે ? દમ ક્યારે થાય ? ૧. પહેલાં જણાવ્યું તેમ હવા (ઓક્સિજન) વગર માનવીને પાંચ મિનીટ પણ ના ચાલે એટલે જ્યારે જ્યારે એ શ્વાસ લે ત્યારે હવા અને તેમાંના ઓક્સિજન સાથે હવામાં રહેલી અનેક વસ્તુઓ જેવી કે

૧. ઝેરી વાયુઓ ૨. બેકટેરીઆ ૩. વાયરસ ૪. ફન્ગસ ૫. ધૂળના રજકણો ૬. કાપડની મીલમાં કામ કરતા હોય તો રૃના રજકણો ૭. ખાણમાં કામ કરતા હોય તો પથ્થર, આરસ, એસ્બેસ્ટોસના રજકણો ૮. સિમેન્ટ કે રંગની ફેક્ટરીમાં કામ કરતા હોય તો તેના ઝીણા રજકણો  ફેફસામાં (એલવેલોઈ અને ઝીણી શ્વાસનળીઓમાં) દાખલ થાય. જેમ જેમ આ રજકણો ફેફસામાં ભરાઈ જાય એટલા પ્રમાણમાં નળીઓમાં સોજો આવે. ફેફસાનો અમુક ભાગ કામ કરતો બંધ થઈ જાય. બેકટેરીઆ દાખલ થાય કે ટી.બી.ના દર્દી ગળફામાં બહાર કાઢેલા ટી.બી.ના જંતુ ફેફસાની નળીઓ કે એલવેલોઈમાં દાખલ થાય ત્યારે તે જગાએ સોજો આવે અને કેવીટી પડે અને તે ભાગ પણ કામ કરતો અટકી જાય. આને ફેફસાં બગડયાં કહેવાય.

૨. તમને સિગરેટ કે બીડી કે સીગાર પીવાની ટેવ હોય ત્યારે તમાકુમાં રહેલ નિકોટીન તમારા શ્વાસ મારફતે તમારા ફેફસામાં જાય. આ નિકોટીનને લીધે પણ ફેફસાં સંકોચાઈ જાય આને ફેફસાં બગડયા કહેવાય. આવી વ્યક્તિઓ દમનો ભોગ તરત બને.

૩. કોઈકવાર એલર્જી કે બીજા કોઈ કારણે ફેફસાં ઓચિંતા કોલેપ્સ થઈ જાય ત્યારે પણ તકલીફ થાય.

૪. કોઈકવાર એક્સિડન્ટમાં ઈજા થાય ત્યારે અથવા ફેફસાંની આજુબાજુની કોથળીમાં ભરાઈ ગએલા પાણી (પ્લુરસી વીથ ઈફ્યુસન)ને કાઢવા જતાં ફેફસાંને ઈજા થાય ત્યારે પણ ફેફસાં બગડયાં કહેવાય.

૫. વાયરસને કારણે ફેફસાની નળીઓમાં સોજો આવે અને ફેફસાં કામ કરતાં બંધ થાય આને ન્યુમોનીઆ કહેવાય. મૂળ ફેફસાં બગડે અને શ્વાસ લેવામાં તકલીફ પડે તેને દમ કહેવાય.

ફેફસાં બગડે નહીં માટે શું કરશો ?

૧. પ્રદૂષિત હવા (બેકટેરીઆ, વાયરસ અને એલર્જીવાળી)થી શક્ય હોય એટલા દૂર રહેવું. જરૃર લાગે તો માસ્ક વાપરવો.

૨. સિગરેટ બીડી બંધ કરવા.
દમની બાબતમાં નવી વાતો અને ઉપાયો
કોઈપણ કારણસર ફેફસાની નળીઓમાં સોજો આવે અને શ્વાસોશ્વાસમાં તકલીફ થાય એને દમ થયો એમ કહેવાય એટલું ઉપરની વાતથી તમે જાણ્યું. આ ઉપરાંત થોડી રાહત આપે તેવી સ્ટરોઈડઝ અને બ્રોન્કોડાયલેટર્સ કાયમ લેવામાં શરીરનાં હાડકાં પોલાં થઈ જાય અને હાર્ટ એટેકનું જોખમ પણ રહે. અપવાદરૃપ કિસ્સામાં ૧. યોગ્ય ખોરાકનું આયોજન ૨. યોગ્ય પ્રમાણસર કસરત અને ૩. પ્રદૂષણથી રક્ષણ આટલી વાતો થોડેઘણે અંશે મદદ કરે. આમ છતાં 'દમ'ના રોગ અંગેની થોડી અદ્યતન જાણકારી અમેરિકાના ન્યુયોર્ક શહેરના દમના સ્પેશ્યાલીસ્ટ ડો. રીચાર્ડ ફર્શેને આ રીતે આપી છે, જે દમના દર્દીને ઉપયોગમાં આવે તેવી છે.

૧. ન્યુટ્રીશનલ સપ્લીમેન્ટસ
(એ) ઓમેગા-૩ ફેટી એસીડ ઃ જે સાલ્મન, હેરીંગ અને મેકેરેલ નામની ઠંડા પાણીની માછલીના તેલમાં મળે છે તેનો અથવા તેલમાંથી બનાવેલ ગોળીઓ (રોજ ૧૦૦ મી.ગ્રામ બે વખત દિવસમાં) લેવાથી અથવા ઓમેગા-૩ ફેટી એસીડ જે અળસી અને અખરોટમાં મળે છે તે (ચાર અખરોટ અથવા ચાર ચમચી અળસી) લેવાથી ફેફસાની નળીઓનો સોજો ઓછો થઈ જશે અને દમની અસર ઓછી થઈ જશે. બ્રોન્કોડાયલેટર્સ (ઈનહેલર્સ)ની જરૃરત ઓછી થઈ જશે. આ સપ્લીમેન્ટની સાથે રોજ ૧ થી ૨ ગ્રામ ડી.એચ.એ.ની ગોળી લેવાની જરૃરત છે. ઓમેગા-૩ ફેટી એસીડને શરૃ કર્યા પછી બે મહિના પછી અસર થશે. આનાથી લોહી પાતળું થાય છે માટે દર્દી એસ્પીરીન લેતાં હોય તો બંધ કરશો.

બી. મેગ્નેશ્યમઃ  મેગ્નેશ્યમ મિનરલ તે કુદરતી 'બ્રોન્કોડાયલેટર' કહેવાય છે, જેનાથી ફેફસાની નળીઓ પહોળી થાય છે અને દમની અસર ઓછી થાય છે. ૩૦૦ મી.ગ્રામનો રોજનો ડોઝ છે.

સી. કો એન્ઝાઈમ ક્યુ-૧૦ઃ આ એક પ્રકારનો પાવરફુલ એન્ડીઓક્ષીડંટ છે, જેનાથી ફેફસાની નળીઓ સંકોચાતી નથી અને તે માટે તમારે ૧૦૦ થી ૧૨૦ મી.ગ્રામનો ડોઝ લેવો પડે. ફક્ત ચાર અઠવાડીઆમાં દમના દર્દીને અદ્ભુત ફાયદો થાય છે.
ઉપરની ત્રણે દવાના ઉપચારોમાં ખાસ ધીરજ રાખવાની છે કારણ ફાયદો થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિના થશે.
ડી. એન્ટીઓક્ષીડન્ટ મળે તેવો ખોરાકઃ સ્ટ્રેસ હોય ત્યારે શરીરનાં અંગોના કોષને નુકશાન થાય અને તેથી ફ્રીરેડીકલ ઉત્પન્ન થાય. સારામાં સારા એન્ટીઓક્ષીડંટ વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, સેલેનીઅમ અને નિયમિત કસરતથી મળતો ઓક્સિજન - આ બધાંથી શરીરનાં અંગો - ખાસ કરીને ફેફસાના 'એલવેલોઈ' અને શ્વાસનળીઓને થએલું અને થતું નુકશાન ઓછું કરશે અને ફ્રીરેડીકલનો નાશ કરશે.

ઈ. શ્વાસોશ્વાસની કસરતોઃ ૧. ફુગ્ગા ફૂલાવવા ૨. એર પીલો ફુલાવવું ૩. પ્રાણાયામ કરવા આ પ્રકારની કસરતો નિયમિત દિવસમાં બે વખત ૩૦ અઠવાડિયાં કરવાથી દમના દર્દીઓને ૮૦ ટકા જેટલો ફાયદો થાય છે એવું પ્રયોગોથી નક્કી થયેલું છે. એટલું યાદ રાખશો કે આ કસરતો ગંભીર પ્રકારના દમના દર્દીઓને મદદ નથી કરતી.

એફ. સગાંવહાલાંની હૂંફ, લાગણી અને દરકારઃ દમના દર્દીને જ્યારે ખબર પડે કે પોતાના દર્દનો કોઈ ઉપાય નથી ત્યારે સ્ટ્રેસ થાય અને દર્દ વધે. આવે સમયે કુટુંબીજનો તેમજ સગાંવહાલાંઓ તરફથી મળતી હૂંફ, લાગણી અને દરકાર તેમને ચોક્કસ મદદ કરશે. દમના દર્દીએ આટલું યાદ રાખવાનું છે કે ગમે તે સંજોગોમાં હિંમત ના ગુમાવે અને હકારાત્મક અભિગમ (પોઝીટીવ એટીટયુડ) રાખશે તો દમનું દર્દ સહન કરી શકાશે.